30.4.08

સંસદ ગૃહ જોઈ ભ્રમ ભાંગ્યો!

ભારત દેશ બીનસાંપ્રદાયીક લોકશાહીની મીશાલ છે, જે દેશના રાષ્ટ્રપતિ મુસ્લિમ હોય, દેશના પ્રધાનમંત્રી શીખ હોય અને દેશના સત્તાધારી પક્ષના વડા ઈસાઈ હોય, એ દેશ સાચા અર્થમાં આદર્શ લોકશાહીની નીશાની છે.

ઉપરોક્ત વાત અમેરીકી રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ જ્યારે ભારતનાં પ્રવાસે આવ્યા ત્યારે કહી હતી. આ જાણી મને ખુબ આનંદ થયો કે હું પણ આજ દેશનો નાગરીક છું, જેવો આનંદ અવાર-નવાર દેશ માટે થયા કરે છે અને થોડું દુઃખ પણ થયુ હતુ કે એક વીદેશી દ્રારા મને આ વાત ખબર પડી.

હાલમાં જ દિલ્લી જવાનું થયું, કામની વ્યસ્તતામાંથી સમય કાઢી ભારતની લોકશાહીનું મંદિર સંસદ ગૃહ જોવા જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, ટી.વી પર જોઈ સંસદ ગૃહ માટે વિચારોના ઘોડા ખુબ દોડાવ્યા હતા, એકઅબજ ની વસતી ધરાવતા દેશમાં માત્ર 545 સાંસદ હોય છે જે અસામાન્ય વાત છે, સમસ્યાથી ભરપુર દેશ પર રાજ કરનારાઓ માટે મારા મનમાં મુંઠી ઉંચેરુ સ્થાન હતું, હંમેશા વિચારતો કે સાંસદો પાછળ પ્રજાના અઢળક નાણાં વપરાય છે, એમની સગવડ , એમની સલામતી સરકાર માટે ખુબજ મહત્વ ધરાવે છે, ખુબજ મોટા વિસ્તારનું પ્રતિનિધીત્વ કરતા સાંસદો ખરેખર કઈક વિશેષતા સભર હશે, સાંસદ ગૃહમાં પોતાના વિસ્તાર- દેશ માટે ખુબ ગંભીર હશે, સંસદ ગૃહમાં સાર્થક ચર્ચા પર સાંસદો દેશના હીતમાં પોતાનો પક્ષ રાખી કર્તવ્ય પાલન કરતા હશે પરંતુ આ બધા વિચારો ભ્રમ સાબીત થયા.

પહેલી વખત સંસદ જોવા ગયો ત્યારે પ્રાંતવાદનાં મુદ્દા પર સંસદમાં સાંસદોએ ધમાલ કરી અને સંસદની કાર્યવાહી બંધ કરવાનો વખત આવ્યો અને બીજી વખત એક આશા હતી કે મોંઘવારીના મુદ્દે સાર્થક ચર્ચા જોવા મળશે પરંતુ બુંદેલખંડના મુદ્દે સાંસદોએ ધમાલ કરી, એમની માંગણી હતી કે બુંદેલખંડ પર બોલવા માટે અમને સમય આપો, અધ્યક્ષ સોમનાથ ચેટર્જી એ સાંસદો ને વિનંતી પણ કરી કે પ્રશ્નકાળ પછી બોલવાનો સમય આપીશું પણ હાલમાં સંસદની કાર્યવાહી ચાલવા દેવામાં સહયોગ આપો પરંતુ એ દીવસે સંસદ નહી ચાલવા દેનાર સાંસદો એ સાબીત કર્યુ કે એમને વધારે રસ હંગામો કરી મીડીયાનું ધ્યાન પોતાના તરફ ખેંચવામાં હતુ, મોંઘવારી જેવા ગંભીર અને સામાન્ય માણસથી જોડાયેલા મુદ્દા પર ચર્ચામાં ભાગ લેનાર સાંસદ આંગળીના વેઢે ગણાય તેટલા હતા.

મારા સ્મરણમાં છે, સંસદ ગૃહના અધ્યક્ષ હોવાનુ સોમનાથ ચેટર્જીને દુઃખ થયુ એની પાછળનું કારણ પણ સાંસદો જ હતા, સાંસદોની ગેરવર્તણુકથી વ્યથીત થઈ અધ્યક્ષની આંખો ભીની થઈ ગઈ હતી છતા પણ સાંસદોના ચહેરા પર શરમનો છાંટો નહોતો દેખાતો, એક વખત આવી જ ઘટનાના કારણે અધ્યક્ષે સાંસદો ને ઠપકો આપતા કહ્યુ હતુ કે તમે જ લોકશાહીની હત્યા કરી રહ્યા છો, સાંસદો એટલી હદે હોબાડો મચવી દે છે કે હાલમાં જ અધ્યક્ષને ગૃહ ની લાઈટો અને રેકોર્ડીંગ પણ બંધ કરાવવાની ફરજ પડી હતી, વંઠી ગયેલા બાળકો જેવા સાંસદોના વ્યવહારના કારણે સોમનાથ ચેટર્જીમાં એક કરૂણ, હારી ગયેલ બાપની છબી જોવા મળે છે જે હંમેશા લોકશાહીના મંદીર સમા સદનની પવીત્રતા ટકાવી રાખવા ઝઝુમતા રહે છે

પક્ષ પ્રેરીત કે પ્રસીધ્ધીના કારણે વીરોધ કરી સંસદની કાર્યવાહી બંધ થતા ઘણી વખત જોઈ છે, એમ નથી કે હંમેશા આમ જ બને છે ઘણી વખત દેશનાં હીતમાં સાર્થક ચર્ચા થતા પણ જોઈ છે, પોતાના વીસ્તારની સમસ્યા માટે લડતા સાંસદોને પણ જોયા છે, સરકારને વિચારતી કરી દે એવો વિરોધ પક્ષનો વિરોધ પણ જોયો છે અને ઘણા મુદ્દા પર સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષનો એક સુર પણ જોયો છે. પરંતુ વ્યક્તિગત કે જાતીવાદ, પ્રાંતવાદ કે પક્ષવાદથી પ્રેરીત વિરોધના કારણે સંસદ ગૃહ બંધ રહે એ શરમની વાત છે, લોકશાહીમાં દરેકને વીરોધ કરવાનો હક્ક હોય છે પરતું માત્ર લોકોના હીતમાં.

આપણા પ્રધાનમંત્રી મનમોહન સિંહને એક પત્રકારે પુછેલુ કે રાત્રે આરામથી ઓશીકા ઉપર માથું મુકી સુતા પહેલા કઈ ચીંતા સતાવે છે? એમણે જવાબમાં કહ્યુ હતુ કે એક અબજની વસ્તી ધરાવતા દેશનાં પ્રધાનમંત્રી હોવું એજ એટલો ચીંતાનો વિષય છે કે આરામથી ઓશીકા પર માથું મુકી સુઈ જ નથી સકાતુ, આવા આદર્શ વ્યક્તિત્વ ના કરણે જ વિશ્વાસ ટકી રહયો છે. ઘણા સાંસદો છે જે ખરેખર અપવાદ છે, દેશ અને લોકોને લઈને ચીંતીત છે જેઓના કારણે જ આપણે નીશ્ચીંત છીએ.

સંસદ ગૃહની બહાર નીકળતા એવા સાંસદો વિશે વીચાર આવ્યો કે જેઓ આખી દુનીયાની પંચાતો કરતા હોય છે, મોકો મળતા હંગામો કરી દે છે પરંતુ ગંભીર વિષય ની ચર્ચા વખતે સદનમાં ગેરહાજર રહે છે, આવા સાંસદોની હરકતો પર પ્રજા ખરેખર ધ્યાન આપશે તો ભારતની આવતીકાલ ઉજળી છે.

3 comments:

Anonymous said...

prabin
desh mate balidan aapnara neta pan thai gaya ane, desh ne sharam ma nukanara neta pan desh ne madi rahaya che, jemane ako desh chavala apyo che aj be sharam che je desh mate khatra ni ghanti che
hu tamara jem sansad bhavan jova javani bhul nai karu...

Anonymous said...

sansdo naffat thai gaya che, 32 sansdo ne notis aapi to avu natak karu ke jane nana chokra hoi, media ma chamkva na dhanda che badha, media cover na kare to badha dhila padi jai.

Unknown said...

Nice artical