આમ તો ધણીવાર સાંભળ્યુ છે કે દુનીયા ખુબ નાની છે પણ ત્યારેજ કે કોઈ સ્વજનની મુલાકાત અનાયાસે થઈ જાય, નહીંતો મારા ઘાણા સ્વજનો, મિત્રો, જેઓ વિદેશમાં છે જેમની ખુબ જ ખોટ અનુભવાય છે ત્યારે લાગે છે કે દુનિયા સાચે જ મોટી છે, વિદેશમાં રેહતા તમામને વતનની યાદોને તાજી કરવા એક ગઝલ...
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે ન મળે,
પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો, આ હસતા ચહેરા, આ મીઠી નજર મળે ન મળે,
ભરી લો આંખમાં રસ્તાઓ,બારીઓ,ભીંતો,પછી આ શહેર,આ ગલીઓ આ ઘર મળે ન મળે,
રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં, પછી કોઈને કોઈની કબર મળે ન મળે,
વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં, ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે,
વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’, અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે,
પોતાનુ માદરે વતન છોડવાના દર્દે આદિલ મંસુરીને આ ગઝલ ની રચના કરવા મજબુર કર્યા હતા.જ્યારે એમણે પોતાનું વતન અમદાવાદ છોડવું પડેલું ત્યારે વતનની ભીની માટીની સુવાસ, મીઠા સ્મરણ અને વતન છોડવાની તીવ્ર વેદના એટલે ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,’ ગઝલ!! બર્મિંગહામનાં એક મુશાયરામાં જ્યારે એમણે ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,’ ગઝલ રજુ કરેલી ત્યારે કાર્યક્રમને અંતે એક બહેને આવીને એમને કહેલું, ‘આદિલભાઇ, આ કાવ્ય સાંભળીને હું રડી પડી.’ ત્યારે અત્યંત સહજતાથી એમણે કહેલું કે ‘બહેન, મેં એ રડતા રડતા જ લખેલું!’