આતંકવાદ પર રાજકારણ અને નાગરીકોની ઉદાસીનતા ક્યાં સુધી?
૨૬/૧૧ના રોજ બોમ્બે પર થયેલા હુમલાને માત્ર બોમ્બે પર હુમલો કહેવા કરતા આખા દેશ પરનો આતંકવાદી હુમલો કહેવું વધારે યોગ્ય લાગશે. દેશ આખાએ જ્યારે એક થવાનો સમય છે ત્યારે આપણા નેતાઓ છીછરુ રાજકારણ રમવામાંથી ઉંચા નથી આવતા. અમેરિકા, બ્રીટન, ઇઝરાઇલ, જર્મની જેવા દેશોએ પણ આંતંકવાદનો સામનો કર્યો છે પરંતુ ત્યાંના રાજકારણીઓ દ્વારા ક્યારેય આતંકવાદ પર રાજનિતિ નથી થઇ. આમતો ભારતની કમનસીબી જ સમજવી કે ભાજપ જેવો પક્ષ આપણા દેશમાં છે, ભાજપના તમામ નેતાઓને મન દેશ કરતા પોતાનું રાજકારણ, આતંકવાદી હુમલા કરતા વોટ બેંક અને જાંબાજ સૈનિકો કરતા સાધવી વધારે વ્હાલા છે.દેશ જ્યારે નાજુક પરિસ્થિતીમાંથી પસાર થતો હોઇ ત્યારે દેશના નેતાઓ દેશને એક તાંતણે બાંધવાને બદલે છીછરુ રાજકારણ રમે એ કેટલા અંશે ચલાવી લેવાય?
એક તરફ આપણા જાંબાજ સૈનિકો દેશ માટે પોતાની જરાએ ચિંતા કર્યા વગર આતંકવાદીઓનો સામનો કરતા હતા ત્યારે આપણા દેશનાં કહેવાતા મહાન નેતાઓ રાજકારણ કરી પોતાની મહાનતામાં વધારો કરતા હોઇ એમ સમજી રાજરમતો રમવામાં વ્યસ્ત હતા. મહારાષ્ટ્રનાં મુખ્ય મંત્રી વિલાસરાવ દેશમુખની વિનંતી સ્વીકરી ભારતનાં વડા પ્રધાન મનમોહન સિંહ ઘટના સ્થળે જવાનું ટાળી દવાખાનામાં ઘાયલોની મુલાકાત લઇ રવાના થઇ ગયા પરંતુ આતંકવાદ સામે હમેશા સૈનિકોથી વધારે બાથ ઝીલતા હોય એવા ભ્રમમાં રાચતા ગુજરાતનાં મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી પોતાની બાહ્દુરી બતાવવા બોમ્બે પહોંચી ગયા. ત્યાં જઇ ઘાયલોના ખબર અંતર પુછયા હોત તો સમજ્યા પરંતુ જેને રાજકારણ જ રમવૂ હોઇ તેને શરમ કે સંકોચ ક્યાંથી નડે ? જ્યારે તાજ અને ઓબેરોયમાં આતંકવાદીઓ સાથે મુઠ્ભેડ ચાલુ હ્તી ત્યારે મહારાષ્ટ્નાં મુખ્ય મંત્રી વિલાસરાવ દેશમુખે નરેન્દ્ર મોદીને વિનંતી કરી હ્તી કે હાલમાં આપ ઘટના સ્થળે ન જાવ તો શારૂ છે પરંતુ રાજકીય શાણપણના અભાવે નરેન્દ્ર મોદી ઘટના સ્થળે ગયા પણ ખરા અને હલકી કક્ષાનું રાજકારણ પણ રમ્યા. આખી ઘટના દરમિયાન તાજમાં ફસાયેલા એક નાગરીકને મીડીયાએ પુછયુ કે તમે કંઇક કેહવા માંગો છો તો જવાબમાં એણે જણાવ્યું કે નરેન્દ્ર મોદી અહિંયા આવી રાજકીય રોટલી શેકે છે એ બાબત મને આતંકવાદી હુમલા જેટલી જ ગંભીર લાગી ખાસ કરી ને ત્યારે કે હુંએ તાજમાં આખી ઘટના નજર સમક્ષ નિહાળી છે. નરેન્દ્ર મોદી બોમ્બે જઇ મહારાષ્ટ્ર સરકારને એક કરોડની મદદ આપવાની જાહેરાત કરે છે, વડાપ્રધાન અને કોંગ્રેસ સરકાર આતંકવાદ સામે લડવામાં નીષ્ફ્ળ રહી હોવાના મિડિયા સામે ભાષણો કરે છે, શું આવા સમયમાં આ જરૂરી છે ? જો નરેન્દ્ર મોદી ખરેખર ભારતમાં આતંકવાદી હુમલાથી વ્યથીત હોત તો કર્ણાટક અને રાજસ્થાનમાં પણ ગયા હોત અને ત્યાંની સરકારને પણ મદદ કરી હોત પરંતુ મુળ મુદ્દો આતંકવાદનો નથી, મુદ્દો મહારષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર છે એનો છે, મહારાષ્ટ્ર સરકારને એક કરોડની મદદ આપવાની જરૂર છે? કે આસ્વાસન આપવાની?આવા સમયે તો માત્ર દેશ માટે વિચારવુ પડે, સંસદ પર જ્યારે હુમલો થયો હતો ત્યારે સોનીયા ગાંધીએ કહ્યું હતુ કે અમે સરકારની સાથે છે. અરે દેશની એકતાની કે દેશના સમ્માનની વાત આવે ત્યારે વિરિધીઓને પણ નીખાલસતાથી સાથ આપવો જોઇએ, નરેન્દ્ર મોદીને અમેરીકાએ વિઝા આપવાની ના પાડી ત્યારે આ જ કોંગ્રેસ અને આ જ વડાપ્રધાને અમેરિકાની આલોચના કરી નરેન્દ્ર મોદીને સાથ આપ્યો હતો તો નરેન્દ્ર મોદીમાં એટ્લી રાજકીય સુઝ નથી કે આતો વિઝાથી ઘણી ગંભીર બાબત છે. નેતાઓના પગાર વધારામાં વિરોધ કરશો તો સારા દેખાશો, આવા વિકટ સમયમાં કોંગ્રેસની સાથે નહીં પણ દેશની સાથે તો રહેવું પડ ને.
ભાજપના નેતા હંમેશા બે મોઢાની વાતો કરે છે, અડવાણી સહિત તમામ નેતા અત્યાર સુધી સાધવી પ્રજ્ઞા ઠાકુરનો પક્ષ લઇ એ.ટી.એસને કોસતા હતા, એ.ટી.એસ પ્રમુખ હેમંત કરખરે શહિદ થયા ત્યાં સુધી સાધવીની સાથે પોતાની વોટબેંક બચાવવાની ચીંતામાં એ.ટી.એસની આલોચના કરવાનો મોકો ભાજપે ક્યારેય નથી છોળ્યો, અરે ભાજપના નેતા વિજય મલ્હોત્રાએતો ભાજપ વતી એવી માંગણી પણ કરી હતી કે સાધવી પર ખોટા આરોપો લગાવનાર હેમંત કરખરેનો નાર્કો ટેસ્ટ થવો જોઇએ, ખરેખર જોઇએતો હેમંત કરખરેએ દેશ માટે શહાદત વ્હોરી આવા તમામ નેતાઓના ગાલ પર સણસણતો તમાચો માર્યો છે. અને આજ ભાજપે કરખરેએ શહિદી વ્હોરતાની સાથે જ્ હેમંત કરખરેના પરિવારને મદદની જાહેરાતો કરવા લાગી. હંમેશા આતંકવાદ સામે લડવા માટે એક થવાની જરૂર છે એવી વાતો કરતું ભાજપ અન્ય રાજ્યોની ચુંટણી દરમ્યાન પેપરોમાં જાહેરાતો આપે છે કે કોંગ્રેસ આતંકવાદને અટકાવી શકે એમ નથી માટે ભાજપને વોટ આપો. (આ જાહેરાતો છપાયછે ત્યારે બોમ્બેમાં આતંકવાદીઓ સામે આપણા જવાનો લડતા હતા). બોમ્બે ઘટના સમયે વડાપ્રધાન મનમોહન સિંહે અડવાણીને કહ્યું કે આપણે બોમ્બે સાથે જઇએ, તો પોતાની રાજકીય કારકિર્દી જાણે જોખમમાં મુકાય જવાની હોય એમ વડાપ્રધાનથી પહેલા બોમ્બે પહોચી ગયા અને ત્યાં પોતાનો રાજકીય અખાડો શરૂ કરી દીધો. આનાથી નક્કી કરવાનું છે કે ભાજપને વોટની ચીંતા છે કે દેશની?
આમાં કોંગ્રેસ પણ કંઇ વખણવા લાયક નથી, ભારતમાં અવારનવાર આતંકવાદી હૂમલા થાય છે અને હંમેશા ગૃહ મંત્રી શિવરાજ પાટીલઘટના સ્થળે આવી એકની એક વાત વારંવાર કરે છે અમારી એજન્સી તપાસ કરી રહી છે, આતંકવાદીઓ સામે કડક પગલા લેવામાં આવશે પરંતુ આવા આશ્વાસન હજુ ભુલાયા નથી હોતા ત્યાં તો વધુ એક આતંકવાદી હુમલો થઇ જાય છે, એક કાર્યક્રમમાં ભારતની પ્રથમ મહિલા આઇ.પી.એસ કીરણ બેદી એવુ સુચન આપે છે કે જો દેશમાં આતંકવાદ પર લગામ લગાવવી હશે તો હાલના ભારતના ગૃહ મંત્રીને બદલ્યા બાદ જ કોઇ નિર્ણય લેવો હિતાવહ ગણાશે અને તો જ કોઇ પણ વિષય પર મક્ક્મતાથી આગળ વધી શ્કાશે.(આ કામતો પાર પડી ગયુ)
બોમ્બેના આતંકવાદી હુમલા બાદ એક પ્રેસ કોન્ફરંસમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ગૃહપ્રધાન આર.આર.પાટીલને એવુ કેહતા પણ શરમ નથી આવતી કે બોમ્બે જેવા મોટા શહેરમાં આવી નાની નાની ઘટનાઓ તો થતી રહે છે એમના મતે આતંકવાદીઓ જે ઇચ્છતા હતા કે ૫૦૦૦ લોકોનો જીવ લેવો એવો બનાવ બન્યો હોત તો મોટી ઘટના મનાત.
આવામાં રાજકારણીઓને વખોળવાથી કંઇ થવાનુ નથી આપણે આપણી માનસીકતા બદલવાની જરૂર છે, આપણે-આપણા સમાજે આત્મમંથન અને આત્મચિંતન કરવાની જરૂર છે, આપણે કોઇ અજાણ્યા વ્યક્તિને ભારતનાં જ કોઇ વિસ્તારમાં મળીએ છીએ તો આપણે ગર્વથી પરિચય આપીએ છીએ કે હું ગુજરાતી છું કે હું મરાઠી છું, ગામમાં મળીએ છીએ તો પોતાની જાતીની ઓળખ આપવાનું પસંદ કરીએ છીએ, કોઇ સામાજીક પ્રસંગે મળીએ છીએ તો જ્ઞાતીથી પરીચય આપીએ છીએ...શા માટે ? હા, વિદેશમાં કોઇને મળવાનું થાય છે તો ચોક્ક્સ ભારતીય હોવાની ભાવના જાગી જાય છે, હું ભારતીય છું. જે ભાવના કાયમ રાખવી પડશે...કયારેય કોઇ અમેરિકીને પરીચય આપતા સાંભડ્યા હોય તો એ હંમેશા એમ જ કેહશે I am an American. આપણે પણ આવી દેશ ભાવના જગાડવી પડશે આપણા દ્વારા જ પાડવામાં આવેલા ફાટાઓને એક કરી દરેક સમાજ, દરેક નાગરીક વચ્ચેનું અંતર ઘટાળવુ પડશે અને દેશ માટે બધાએ સાથે બહાર આવવુ પડશે. નેતાઓને વખોળવા કરતા સારા નેતા આપવા પડશે. નેતાઓએ શું કરવુ, આપણા સમાજની શું જરૂરીયાત છે એ હવે આપણે આપણા નેતાઓને જણાવવું પડશે, ચુંટણી પેહલા રાજકીય પક્ષે નહી નાગરીકોએ ઘોષણા પત્ર બહાર પાડી વિશ્વાસ સાથે એને નીભાવી શકનાર સક્ષમ નેતાને જ દેશની સેવા કરવાની જવાબદારી સોંપવી પડશે. જો આપણે આપણા દેશ માટે, આપણા અધિકારો માટે, આપણી સુરક્ષા માટે જાગૃત નહીં રહિએ અને પછી સંકટ સમયે નેતાઓને કોષતા રહીશું તો એ આપણા સમાજની, આપણી કમજોરી કહેવાશે. હવે આપણે શું કરવું એ આપણે નક્કી કરવાનું છે.
(ઘણા સમયથી બ્લોગ પર કોઇ અપડેટ નહી આપવા બદલ માફી ચાહું છું, આમ તો બ્લોગ પર લખવા માટે મારા પર ઉદાસીનતા હાવી થય ગઇ હતી પરંતુ દેશ પર થયેલા આતંકવાદી હુમલાએ ફરી ચેતના પ્રગટાવી, હવેથી હંમેશા પ્રયત્નશીલ રહીશ કે નવા નવા વિષયો પર ચર્ચા માટે બ્લોગ થકી આપની મુલાકાત થતી રહે)