30.4.08

સંસદ ગૃહ જોઈ ભ્રમ ભાંગ્યો!

ભારત દેશ બીનસાંપ્રદાયીક લોકશાહીની મીશાલ છે, જે દેશના રાષ્ટ્રપતિ મુસ્લિમ હોય, દેશના પ્રધાનમંત્રી શીખ હોય અને દેશના સત્તાધારી પક્ષના વડા ઈસાઈ હોય, એ દેશ સાચા અર્થમાં આદર્શ લોકશાહીની નીશાની છે.

ઉપરોક્ત વાત અમેરીકી રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ જ્યારે ભારતનાં પ્રવાસે આવ્યા ત્યારે કહી હતી. આ જાણી મને ખુબ આનંદ થયો કે હું પણ આજ દેશનો નાગરીક છું, જેવો આનંદ અવાર-નવાર દેશ માટે થયા કરે છે અને થોડું દુઃખ પણ થયુ હતુ કે એક વીદેશી દ્રારા મને આ વાત ખબર પડી.

હાલમાં જ દિલ્લી જવાનું થયું, કામની વ્યસ્તતામાંથી સમય કાઢી ભારતની લોકશાહીનું મંદિર સંસદ ગૃહ જોવા જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, ટી.વી પર જોઈ સંસદ ગૃહ માટે વિચારોના ઘોડા ખુબ દોડાવ્યા હતા, એકઅબજ ની વસતી ધરાવતા દેશમાં માત્ર 545 સાંસદ હોય છે જે અસામાન્ય વાત છે, સમસ્યાથી ભરપુર દેશ પર રાજ કરનારાઓ માટે મારા મનમાં મુંઠી ઉંચેરુ સ્થાન હતું, હંમેશા વિચારતો કે સાંસદો પાછળ પ્રજાના અઢળક નાણાં વપરાય છે, એમની સગવડ , એમની સલામતી સરકાર માટે ખુબજ મહત્વ ધરાવે છે, ખુબજ મોટા વિસ્તારનું પ્રતિનિધીત્વ કરતા સાંસદો ખરેખર કઈક વિશેષતા સભર હશે, સાંસદ ગૃહમાં પોતાના વિસ્તાર- દેશ માટે ખુબ ગંભીર હશે, સંસદ ગૃહમાં સાર્થક ચર્ચા પર સાંસદો દેશના હીતમાં પોતાનો પક્ષ રાખી કર્તવ્ય પાલન કરતા હશે પરંતુ આ બધા વિચારો ભ્રમ સાબીત થયા.

પહેલી વખત સંસદ જોવા ગયો ત્યારે પ્રાંતવાદનાં મુદ્દા પર સંસદમાં સાંસદોએ ધમાલ કરી અને સંસદની કાર્યવાહી બંધ કરવાનો વખત આવ્યો અને બીજી વખત એક આશા હતી કે મોંઘવારીના મુદ્દે સાર્થક ચર્ચા જોવા મળશે પરંતુ બુંદેલખંડના મુદ્દે સાંસદોએ ધમાલ કરી, એમની માંગણી હતી કે બુંદેલખંડ પર બોલવા માટે અમને સમય આપો, અધ્યક્ષ સોમનાથ ચેટર્જી એ સાંસદો ને વિનંતી પણ કરી કે પ્રશ્નકાળ પછી બોલવાનો સમય આપીશું પણ હાલમાં સંસદની કાર્યવાહી ચાલવા દેવામાં સહયોગ આપો પરંતુ એ દીવસે સંસદ નહી ચાલવા દેનાર સાંસદો એ સાબીત કર્યુ કે એમને વધારે રસ હંગામો કરી મીડીયાનું ધ્યાન પોતાના તરફ ખેંચવામાં હતુ, મોંઘવારી જેવા ગંભીર અને સામાન્ય માણસથી જોડાયેલા મુદ્દા પર ચર્ચામાં ભાગ લેનાર સાંસદ આંગળીના વેઢે ગણાય તેટલા હતા.

મારા સ્મરણમાં છે, સંસદ ગૃહના અધ્યક્ષ હોવાનુ સોમનાથ ચેટર્જીને દુઃખ થયુ એની પાછળનું કારણ પણ સાંસદો જ હતા, સાંસદોની ગેરવર્તણુકથી વ્યથીત થઈ અધ્યક્ષની આંખો ભીની થઈ ગઈ હતી છતા પણ સાંસદોના ચહેરા પર શરમનો છાંટો નહોતો દેખાતો, એક વખત આવી જ ઘટનાના કારણે અધ્યક્ષે સાંસદો ને ઠપકો આપતા કહ્યુ હતુ કે તમે જ લોકશાહીની હત્યા કરી રહ્યા છો, સાંસદો એટલી હદે હોબાડો મચવી દે છે કે હાલમાં જ અધ્યક્ષને ગૃહ ની લાઈટો અને રેકોર્ડીંગ પણ બંધ કરાવવાની ફરજ પડી હતી, વંઠી ગયેલા બાળકો જેવા સાંસદોના વ્યવહારના કારણે સોમનાથ ચેટર્જીમાં એક કરૂણ, હારી ગયેલ બાપની છબી જોવા મળે છે જે હંમેશા લોકશાહીના મંદીર સમા સદનની પવીત્રતા ટકાવી રાખવા ઝઝુમતા રહે છે

પક્ષ પ્રેરીત કે પ્રસીધ્ધીના કારણે વીરોધ કરી સંસદની કાર્યવાહી બંધ થતા ઘણી વખત જોઈ છે, એમ નથી કે હંમેશા આમ જ બને છે ઘણી વખત દેશનાં હીતમાં સાર્થક ચર્ચા થતા પણ જોઈ છે, પોતાના વીસ્તારની સમસ્યા માટે લડતા સાંસદોને પણ જોયા છે, સરકારને વિચારતી કરી દે એવો વિરોધ પક્ષનો વિરોધ પણ જોયો છે અને ઘણા મુદ્દા પર સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષનો એક સુર પણ જોયો છે. પરંતુ વ્યક્તિગત કે જાતીવાદ, પ્રાંતવાદ કે પક્ષવાદથી પ્રેરીત વિરોધના કારણે સંસદ ગૃહ બંધ રહે એ શરમની વાત છે, લોકશાહીમાં દરેકને વીરોધ કરવાનો હક્ક હોય છે પરતું માત્ર લોકોના હીતમાં.

આપણા પ્રધાનમંત્રી મનમોહન સિંહને એક પત્રકારે પુછેલુ કે રાત્રે આરામથી ઓશીકા ઉપર માથું મુકી સુતા પહેલા કઈ ચીંતા સતાવે છે? એમણે જવાબમાં કહ્યુ હતુ કે એક અબજની વસ્તી ધરાવતા દેશનાં પ્રધાનમંત્રી હોવું એજ એટલો ચીંતાનો વિષય છે કે આરામથી ઓશીકા પર માથું મુકી સુઈ જ નથી સકાતુ, આવા આદર્શ વ્યક્તિત્વ ના કરણે જ વિશ્વાસ ટકી રહયો છે. ઘણા સાંસદો છે જે ખરેખર અપવાદ છે, દેશ અને લોકોને લઈને ચીંતીત છે જેઓના કારણે જ આપણે નીશ્ચીંત છીએ.

સંસદ ગૃહની બહાર નીકળતા એવા સાંસદો વિશે વીચાર આવ્યો કે જેઓ આખી દુનીયાની પંચાતો કરતા હોય છે, મોકો મળતા હંગામો કરી દે છે પરંતુ ગંભીર વિષય ની ચર્ચા વખતે સદનમાં ગેરહાજર રહે છે, આવા સાંસદોની હરકતો પર પ્રજા ખરેખર ધ્યાન આપશે તો ભારતની આવતીકાલ ઉજળી છે.

14.4.08

દિલથી ભારતવાસી !

મારો એક મીત્ર છે સપન, હાલમાં અમેરીકા(USA)માં છે અમે સ્કુલમાં સાથે ભણતા હતા ત્યારના એના વર્તન પરથી મને લાગતુ કે એના મનમા મારી છબી એક વંઠેલા છોકરાની હતી, અને હુ હતો પણ ખરો. પરંતુ અમેરીકા ગયા પછી એ વંઠી ગયો હોઇ એમ મને લાગે છે ! પણ હજુયે એ દિલથી ભારતવાસી છે, એણે મને ઈ-મેઈલ દ્વારા અમેરીકા માં રેહતા ભારતીયો દિલથી ભારતવાસી છે એના પુરાવા ખાસ કરીને બ્લોગ પર મુકવા મોક્લયા છે. આપ સૌ માટે આ ગીત સપન ભાઈ તરફથી...



અમે યુ.એસ.એ. ના રહેવાસી પણ છીએ દિલથી ભારતવાસી

અમેરિકા તો વર્લ્ડ-ક્લાસ છે મનમાં એવો દમામ
ડોલર-સેંટમાં દીઠા સૌએ અડસઠ તીરથધામ

ન્યુ જર્સી કે મેનહટન વોશિંગટન બાલ્ટીમોર
વેસ્ટ કોસ્ટમાં હોલીવુડ ને ડીઝની કેરો શોર

સાંજ પડે ને સાંભરે અમને ડેડ-મોમ ને માસી
અમે યુ.એસ.એ. ના રહેવાસી પણ છીએ દિલથી ભારતવાસી

મોટલ વાળા પટેલ મગનભાઇ મેક થયા છે ભાઇ
નોખા રહેતા ઇંડિયન થઇ કહેવાયા એન.આર.આઇ

સ્વીચ ઉંધી નળ ઉંધા ચાલે ગાડી ઉંધે પાટે
ક્રિકેટ ગિલ્લી-દંડા છોડી બેઝબોલ માટે બાધે

ગોટ-પિટ ગોટપિટ કરતા જો મોટેલ પર બેઠા માસી
અમે યુ.એસ.એ. ના રહેવાસી પણ છીએ દિલથી ભારતવાસી

9.4.08

જાતિવાદ પર વાક્ યુધ્ધમાં જોડાવ.

મિત્રો,

છેલ્લા કેટલાય દિવસથી રવીશજીનાં कस्बा માં અને અવિનાશજીનાં मोहल्ला માં જાતીવાદના વિષય પર ચર્ચાએ ખુબ જોર પકળ્યુ છે, ઘણા લેખ પણ પ્રકાશીત થયા છે, આ બાબતે ઘણો વાદ-વિવાદ પણ થયો છે, પણ સાથે ખુબ પરિસંવાદ પણ થયો છે. રવીશજી અને અવિનાશજી તરફથી कस्बा અને मोहल्ला માં ચર્ચા કરવા આમંત્રીત કરું છુ, ત્યાં આપનું સ્વાગત છે. मोहल्ला માં હું એ પણ "मोदी के गुजरात में फैलता जाति का ज़हर" લખી બળતામાં ઘી નાંખવાનું કામ કર્યુ છે. તમે પણ તમારા વિચારો જણાવો તો પરિસંવાદ વધુ જોર પકડશે...

8.4.08

ધીરજ અને મધુશાલા એકજ માળાના મણકા...

હરિવંશરાય બચ્ચન, થોડા સમય પેહલા મારા માટે પણ મધુશાલાના રચયિતા થી વધારે કશુંજ ન હતા. એમની લખેલી મધુશાલાની પણ એકજ પંક્તી મનમાં ગુંજ્યા કરતી "મંદિર-મસ્જીદ સબકો લડાયે મેલ કરાયે મધુશાલા" ખુબ સરસ અથવા તો સાંજે 6:45 પછી મધુશાલાની વાટ પકડનાર લોકો "અલગ અલગ સબ પથ દિખલાતે પર મે યે દિખલાતા હું, રાહ પકડ તુ એક ચલાચલ પા જાયેગા મધુશાલા" એમની આ પંક્તીને બહાનું બનાવતા, બીજેથી તો પ્રોત્સાહન મળે તેમ નથી, કાંતો કોઈક હિન્દી સાહિત્ય પ્રેમી એમને માનભરી નજરથી દેખતો હશે અને વધુમાં અમિતાભ બચ્ચનના પિતા. બસ! ના ખુબજ સફળ વ્યક્તિત્વ, વિધ્વાન સાહિત્યકાર અને એનાથી વધારે એમના માટે કંઈ કેહવુ એટલે સુરજ ને દીવો ધરવા સમાન છે.
પરંતુ એમની સફળતા પાછળનું કારણ? માત્ર ધીરજ અને સંઘર્ષ. હરિવંશરાય બચ્ચન દરરોજ સવારે ચાલવા જાય, એમને અલગ અલગ શિલ્પ(પથ્થર)ભેગા કરવાનો ખુબ શોખ માટે શોખ પોષવા એ દરરોજ અલગ અલગ આકાર-રંગના શિલ્પ ઘરે લઈ આવે અને આજના સુપર સ્ટાર અને બીગ-બીના નામથી પ્રચલીત એવા એમના દિકરાને જગાડી એને નવા શિલ્પથી પરિચિત કરાવે. અમિતાભ બચ્ચનની સવારનો સુરજ આવી જ રીતે ઉગતો. પરંતુ એક સવારે અમિતાભ બચ્ચનને જગાડતા હરિવંશરાય બચ્ચનના હાથ ખાલી હતા, અમિતાભની ધીરજ જવાબ માંગવા માંડી, આજે કેમ પિતા ખાલી હાથે? હરિવંશરાય બચ્ચને પુત્ર ને કહ્યુ બેટા મદદ માટે બહાર આવને, બહાર જઈ જોતા એક વિશાળ શિલ્પ ઘર પાસે પડ્યુ હતુ. શિલ્પ એટલુ મોટુ હતુ કે એને અંદર લાવવા માટે ચાર માણસની જરૂર પડે એમ હતુ, અમિતાભે કહ્યુ અંદર લઈ જવા તો હું મદદ કરું પણ અહીયાં સુધી લાવવામાં કોણે મદદ કરી? હરિવંશરાય નો જવાબ હતો મારી ધીરજે, હુ છેલ્લા એક વર્ષથી દરરોજ આ શિલ્પને થોડુ-થોડુ ખસેડી ઘર તરફ લાવવા પ્રયત્ન કરતો હતો, તો આજે અહિં લાવી શક્યો. ધીરજ સાથે કરેલો સંઘર્ષ જીવનમાં ચોક્કસ સફળતા અપાવે છે.

અમિતાભના જીવનમાં પણ ઘણા ચઢાવ ઉતાર આવ્યા પરંતુ સંયમ ગુમાવ્યા વિના ધીરજ સાથે કરેલા સંઘર્ષે આજે અમિતાભને સફળતાના શીખરે બેસાડ્યા છે, કદાચ અમિતાભની સફળતા પાછળ પણ જીવનના આવાજ આદર્શ કારણભુત હશે?

3.4.08

ફરી મળે ન મળે...

આમ તો ધણીવાર સાંભળ્યુ છે કે દુનીયા ખુબ નાની છે પણ ત્યારેજ કે કોઈ સ્વજનની મુલાકાત અનાયાસે થઈ જાય, નહીંતો મારા ઘાણા સ્વજનો, મિત્રો, જેઓ વિદેશમાં છે જેમની ખુબ જ ખોટ અનુભવાય છે ત્યારે લાગે છે કે દુનિયા સાચે જ મોટી છે, વિદેશમાં રેહતા તમામને વતનની યાદોને તાજી કરવા એક ગઝલ...



નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ ઉપર મળે ન મળે,
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે ન મળે,
પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો, આ હસતા ચહેરા, આ મીઠી નજર મળે ન મળે,
ભરી લો આંખમાં રસ્તાઓ,બારીઓ,ભીંતો,પછી આ શહેર,આ ગલીઓ આ ઘર મળે ન મળે,
રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં, પછી કોઈને કોઈની કબર મળે ન મળે,
વળાવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં, ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે,
વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’, અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે,

પોતાનુ માદરે વતન છોડવાના દર્દે આદિલ મંસુરીને આ ગઝલ ની રચના કરવા મજબુર કર્યા હતા.જ્યારે એમણે પોતાનું વતન અમદાવાદ છોડવું પડેલું ત્યારે વતનની ભીની માટીની સુવાસ, મીઠા સ્મરણ અને વતન છોડવાની તીવ્ર વેદના એટલે ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,’ ગઝલ!! બર્મિંગહામનાં એક મુશાયરામાં જ્યારે એમણે ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે,’ ગઝલ રજુ કરેલી ત્યારે કાર્યક્રમને અંતે એક બહેને આવીને એમને કહેલું, ‘આદિલભાઇ, આ કાવ્ય સાંભળીને હું રડી પડી.’ ત્યારે અત્યંત સહજતાથી એમણે કહેલું કે ‘બહેન, મેં એ રડતા રડતા જ લખેલું!’

1.4.08

ગુંડારાજના અંતની શરૂઆત

મ.સ.યુ. (મહારાજા સયાજીરાવ યુનીવર્સીટી) નામ સાંભળતા જ કેટલાય ચેહરા પર સ્મીત પ્રસરી જતુ હશે, કેટલીય આંખોની કીનારી ભીની થઈ જતી હશે, કેટલાય પોતાની સફળતાની દુહાઈ દેતા જશ મ.સ.યુ. ને આપતા હશે અને કેટલાય એવા હશે જે પોતાની નીષ્ફળતાનુ ઠીકરુ પણ મ.સ.યુ. ના માથે ફોળતા હશે. આજેય ઘણા પરીવારો એવા છે જેની પાંચમી પેઢી પણ મ.સ.યુ.ના વિધાર્થી જીવનને વાગોળે છે. મ.સ.યુ.નો ઈતિહાસ જ એની ભવ્યતાની સાક્ષી પુરે છે પરંતુ એવા ઘણા બનાવો છે જે મ.સ.યુ.ની ભવ્યતાને ખંડીત કરે છે, એવા બનાવો જે મ.સ.યુ.ની શ્ર્વેત છબી પર કલંક સમા છે.

એક સમય હતો જ્યારે મ.સ.યુ.ના વિધાર્થી નેતાને એક આદરથી જોવામાં આવતા, મ.સ.યુ.એ ઘણા નેતા આપ્યા છે એમાનો એક કોકો(પ્રકાશ ભ્રહ્મભટ્ટ્)જેમણે મ.સ.યુ.ના વિધાર્થી નેતા તરીકે નામ દીપાવ્યુ છે, મ.સ.યુ.નો વી.પી. રહેલ એક વિધાર્થી જેણે આગળ જતા વડોદરાના રાજવી રણજીતસિંહ ગાયકવાડને હરાવી સાંસદ તરીકે ચુંટાયા, એટલુ જ નહીં કોકો જેટલી મોટી રેલી કાઢવી આજદીન સુધી કોઈ પણ નેતાઓ ના પહોંચની બહારની વાત રહી છે, ધ્રુવના તારાની જેમ આકાશમાં ચમકતુ નામ નરેન્દ્ર તિવારીનું છે જેમણે પોતાની સ્વચ્છ છબીના કારણે મ.સ.યુ.માં સૌથી વધુ વખત ચુંટાયાનો રેકોર્ડ કર્યો છે.

સમય જતા સજ્જનતા પણ વિસરી ગઈ મ.સ.યુ.માં રાજકારણ એવુ વકર્યુ કે ખુન પણ થયુ, પ્રોફેસરને વિધાર્થીઓએ ઘેરીને જાહેરમાં માર માર્યો, વિધાર્થીનીઓની મશ્કરી અને એને પણ શરમાવે તેમ વિધાર્થી નેતાઓના સેક્સકાંડ પ્રકાશમાં આવ્યા. લોકશાહીને નીવે મુકી વિરોધનો દૌર શરૂ થયો, તોડ-ફોડ, મારા-મારી વગેરે..મારા સ્મરણમાં છે કે વી.સી. ને રજુઆત કરવા ગયેલા નેતાએ એવી રીતે રજુઆત કરી કે ફાકી થી લતપત મોઢામાંથી ઉડતા થુંક ના કારણે વી.સી. રજુઆત સાંભળ્યા વગર જ જતા રહયા હતા.

હવે બસ થયુ, મ.સ.યુ. મેનેજમેન્ટે આવા તત્વોને ડામવા સરસ પગલા ભરેલ છે, "સાંપ ભી મર જયેગા ઔર લાઠી ભી નહી ટુટેંગી" એક વર્ષતો ચુંટણી જ ના થઈ, જેથી નેતાઓની દુકાનો બંધ થઈ ગઈ. બીજા વર્ષે ખુબ જ મહત્વની વી.પી. ની બેઠક મહિલા અનામત કરી જેથી નેતાઓની અડધી તાકાત ઓછી થઈ ગઈ અને પુજા કામથ જેવી વિધાર્થીની નેતા મળી અને આ વર્ષથી નવો કયદો અમલમાં મુકાશે જે વિધાર્થીની એ.ટી.કે.ટી. હશે એ સી.આર. થી લઈ વી.પી. સુધી કોઇ પણ બેઠક પર પ્રતિનિધિત્વ નહી કરી શકે, મોટે ભાગના નેતાઓનું રાજકારણ પુરુ થયુ, એટલે હવે ગુંડારાજ ખતમ થયુ સમજો, પરંતુ આમ રૂપેશ પ્રજાપતી, શક્તિ, પુજા કામથ જેવા નેતાઓ અપવાદ છે જેઓને આજે પણ માનભરી નજરથી જોવાય છે.

હજી શું કરવુ જોઈએ જેથી વિધાર્થીઓ નેતાઓ માટે ગર્વ લઈ શકે અને મ.સ.યુ.ને સારા નેતા મળે ???